બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની પર્સનલ લાઈફ ઘણીવાર સમાચારોમાં રહે છે. જોકે, હાલ તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના કરિયરમાં ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો આપી છે. પરંતુ 19 વર્ષ પહેલા રિલીઝ થયેલી ધૂમ 2ના કિસિંગ સીનને કારણે ઐશ્વર્યાને કાનૂની નોટિસ મળી હતી. એક્ટ્રેસે ખુદ એક જૂના ઇન્ટરવ્યૂ આ અંગે વાત કરી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કિસિંગ સીનને કારણે હોલિવૂડ ફિલ્મો નકારી
2012માં ડેઇલી મેઇલને આપેલા ઇન્ટરવ્યૂમાં, ઐશ્વર્યાએ કહ્યું હતું કે તેણે હોલિવૂડની કેટલીક સ્ક્રિપ્ટોને ફક્ત એટલા માટે નકારી કાઢી હતી કારણ કે તે તેમાં કિસિંગ સીન હતાં અને તે આવા સીન કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી. તેણે આ પહેલાં ક્યારેય મોટા પડદા પર આ પ્રકારના સીન કર્યા નહોતા. એક્ટ્રેસે એમ પણ કહ્યું હતું- મેં વિચાર્યું કે જો મારે તે રસ્તે જવું પડશે, તો પહેલા હું તે મારી ઈન્ડસ્ટ્રીમાં કરીશ. મેં ‘ધૂમ 2’ માં તે કર્યું અને તે એક મોટો મુદ્દો બની ગયો. આગળ એક્ટ્રેસે કહ્યું કે, દેશના કેટલાક લોકો તરફથી મને કાનૂની નોટિસ મળી હતી. જેમાં લખ્યું હતું કે- તમે પ્રતિષ્ઠિત છો, તમે અમારી છોકરીઓ માટે રોલ મોડેલ છો, અમે તમને સ્ક્રીન પર આવા સીનમાં જોઈને કમ્ફર્ટેબલ નથી. તો તમે તે કેમ કર્યું? આ નોટિસ જોઈ હું ચોંકી ગઈ, મને લાગ્યું કે હું એક અભિનેતા છું, અને હું મારું કામ કરી રહી છું. છતાં લોકો મારી પાસે થોડીક સેકન્ડ માટે સ્પષ્ટતા કેમ માગી રહ્યા છે. ઘણા કલાકારોએ ફિલ્મોમાં કિસિંગ સીન કર્યા છે અને સતત કરી રહ્યા છે. જોકે, ભારતીય સંસ્કૃતિમાં જાહેરમાં પ્રેમ દર્શાવવો નેચરલ નથી. આપણા સિનેમામાં પણ, કલાકારો ભાગ્યે જ પડદા પર કિસ કરવામાં કમ્ફર્ટેબલ દેખાય છે. જ્યારે ઐશ્વર્યા રાયે ‘ધૂમ 2’ કરી હતી ત્યારે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ હતી. લોકો વાત કરતા હતા કે તે હોલિવૂડમાં કામ કરશે કે નહીં? એક્ટ્રેસને હોલિવૂડમાંથી ઘણી ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ તેમાં ઘણા બધા ઇન્ટિમેટ સીન હતા. જે કરવા માટે તે કમ્ફર્ટેબલ ન હતી. ઐશ્વર્યા રાયે આ પહેલા ક્યારેય ઓનસ્ક્રીન કિસિંગ સીન આપ્યો ન હતો. બાદમાં, અભિનેત્રીએ ‘શબ્દ’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી કેટલીક પસંદગીની ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. અભિનેત્રી આ દિવસોમાં તેના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધૂમ-2’ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ‘ધૂમ’ ની સિક્વલ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા હૃતિક રોશનની સામે જોવા મળી હતી. બંનેએ પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી. સંજય ગઢવી દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના ડાયલોગ વિજય કૃષ્ણ આચાર્યએ લખ્યા હતા. તેમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને બિપાશા બાસુ પણ મુખ્ય ભૂમિકામાં હતા.