૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગ ઉઠી છે. તેવામાં ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી કરવા સહિતના પગલા લઇ બદલો લેવાની શરૂઆત કરી છે. કચ્છ સિંધુ નદીની આવમાં આવતો પ્રદેશ છે. કચ્છ માટે સિંધુ નદીના પાણીની માંગણી ખૂદ નરેન્દ્ર મોદીએ જ કરી હતી ! તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે 2002ના એપ્રિલ મહિનામાં નેશનલ વોટર રિસોર્સિસ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની હાજરીમાં કચ્છના સિંધુ નદીના પાણી પરના અધિકારની વાત છેડીને કેન્દ્ર પાસેથી ન્યાય માંગ્યો હતો. ત્યારે હવે તેઓ ખૂદ વડાપ્રધાન છે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાની સાથે સિંધુ નદીના વધારાના પાણી કચ્છને આપવામાં આવે તે અંગે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. 1819ના ભૂકંપને કારણે સિંધુ નદીની એક શાખા કચ્છમાં આવતી બંધ થઇ. હાલમાં પણ સિંધુ નદીની એક શાખા મારફતે જ બોર્ડર પર આવેલું શકુર લેકનું નિર્માણ થાય છે. તેથી કચ્છ સિંધુ નદીના આવ ક્ષેત્ર અને તેના પાણી માટે હકદાર છે. તેથી જ પાંચમી એપ્રિલ ૨૦૦૦ના રોજ કેશુભાઈ પટેલની ભાજપ સરકારે પ્રથમવાર સિંધુના પાણી કચ્છને ફાળવવા ઇન્ડસ કમિશનને પત્ર લખ્યો. તેનો જ ફોલોઅપ ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ 2002માં વડાપ્રધાનની બેઠકમાં કર્યો હતો. જોકે ત્યારબાદ આ દિશામાં કોઇ પગલા લેવાયા નથી. 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય લશ્કરી છાવણી પર નાપાક આતંકી હુમલામાં જવાનો શહીદ થયા ત્યારે આખો દેશ ધ્રૂજી ઊઠ્યો હતો. ભારતભરમાં ઇંટનો જવાબ પથ્થરથી આપવાની બુલંદ માંગ લોકો કરવા લાગ્યા હતા. ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એમ કહ્યું કે, ‘લોહી અને પાણી એકસાથે વહી ન શકે’. સાથે જ સિંધુ જળ કમિશનની ભારત-પાક વચ્ચેની બેઠકનોયે ભારતે બહિષ્કાર કરી દીધો હતો . એ સમયે સિંધુ જળ કરાર અંગે રાષ્ટ્રીય વ્યૂહને અનુકૂળ પુનઃવિચારણા કરવા માટે વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો સિંધુ જળ કરાર હેઠળ ભારતને ત્રણ નદીઓના જળનો સંપૂર્ણ હિસ્સો ફાળવાયો હતો તેનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શક્તા ન હોવાથી વણવપરાયેલ પાણીનો જથ્થો પાકિસ્તાનમાં જતો રહે છે તેને અટકાવી દેવાનો હતો. ત્યારે પણ કચ્છમાં સિંધુ નદીના પાણી કચ્છ સુધી વાળવાની માંગ થઇ હતી. કચ્છમાં સિંધુના જળ લઇ આવવા અત્યાર સુધી શું થયું
આઝાદી પહેલાં 1943માં વિજયરાજજીના હાથમાં કચ્છનું સુકાન આવ્યા પછી એ સમયની સિંધ સરકાર સમક્ષ હાજીપુરા ખાતે બંધાનારા બેરેજમાંથી કચ્છને પાણી આપવા સંપર્ક કરાયો હતો. પણ કોઈ પરિણામ આવે એ પહેલાં ભારતના ભાગલા થયા. કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય હતું ત્યારે અને દ્વિભાષી મુંબઈનો ભાગ હતું ત્યારેય પ્રયાસો ચાલુ રહ્યા હતા પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર અંગેની વાટાઘાટોના અંતે વિશ્વબેન્કની મધ્યસ્થીથી એવું નક્કી થયું કે સિંધુ બેઝિનની છ નદીઓ પૈકી ત્રણ પર ભારતનો અને ત્રણ પર પાકિસ્તાનનો મહદ્અંશે અધિકાર રહેશે. અગાઉ વાત એવી હતી કે રાજ્ય કે રાષ્ટ્રની સરહદોને ધ્યાનમાં લીધા વિના જે તે તટપ્રદેશના રહેવાસીઓને પાણીનો પૂરેપૂરો લાભ અપાશે. આ મુજબ ભૌગોલિક રચના કે નદીના પ્રવાહોની સ્થિતિ અનુસાર કેટલાક સ્થળે પાકિસ્તાનમાંથી કેનાલ મારફત ભારતમાં અને કેટલાક સ્થળે ભારતમાંથી કેનાલ મારફત પાકિસ્તાનને પાણી આપવાની દરખાસ્ત હતી. આ પૈકી એક દરખાસ્ત કચ્છને ‘કોટરી’ નહેર દ્વારા સિંધુનાં પાણી આપવાની હતી, પણ 1960માં સિંધુ જળ કરાર થયા તેમાં આંતરરાષ્ટ્રીય નહેરોની વાત પડતી મુકાઈ. એ સમયે કેન્દ્ર સરકારે આ ત્રણ નદીઓના લાભાર્થી રાજ્યોમાં સિંધુ તટપ્રદેશના ભાગ કચ્છને સામેલ ન કરીને ધોરીધરાર અન્યાય કર્યો.