પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ ‘અબીર ગુલાલ ‘ 9 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, તેના ગીતો યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યાં છે. વાણી કપૂર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઈ ગયો છે. બોલિવૂડ ટ્રેડ એસોશિયેશને PM મોદીને પત્ર લખી ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ કરી ‘ અબીર ગુલાલ’નાં બે ગીતો – ‘ અંગ્રેઝી રંગરસિયા ‘ અને ‘ ખુદાયા ઇશ્ક ‘ પ્રથમવાર યુટ્યુબ પર રિલીઝ થયા હતા. પરંતુ હવે તે ભારતમાં દેખાતા નથી. આ ગીતોને અ રિચર લેન્સ એન્ટરટેઈનમેન્ટની સત્તાવાર ચેનલ અને મ્યુઝિક લેબલ સારેગામાની યુટ્યુબ ચેનલ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ફિલ્મના નિર્માતા કે કલાકારો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ચાહકોએ એ પણ જોયું કે વાણી કપૂરે 22 એપ્રિલે શેર કરેલો પ્રમોશનલ વીડિયો ડિલીટ કરી દીધો હતો જેમાં તે ફવાદ ખાન સાથે જોવા મળી હતી. આ તે દિવસ હતો જ્યારે પહેલગામમાં હુમલો થયો હતો. ત્યારથી વાતાવરણ અત્યંત સંવેદનશીલ બની ગયું છે. હવે, આ પરિસ્થિતિને જોતાં, થિયેટર એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ ફિલ્મની રિલીઝ અંગે મૂંઝવણમાં છે. એવા પણ સમાચાર છે કે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી શકે છે.
અહીં #boycottvaanikapoor સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે . લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે વાણી કપૂર આટલા મોટા હુમલા પર ચૂપ કેમ રહી. આ અંગે વાણી કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને લખ્યું – ‘ જ્યારથી મેં પહેલગામની ઘટના જોઈ છે , ત્યારથી હું સુન્ન છું.’ મને શબ્દો મળતા નથી. નિર્દોષ લોકો પરનો આ હુમલો હૃદયદ્રાવક છે. મારી પ્રાર્થનાઓ આ દુઃખમાંથી પસાર થઈ રહેલા તમામ પરિવારો સાથે છે.’ ફવાદ ખાને પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘પહલગામમાં થયેલો હુમલો ખૂબ જ પીડાદાયક છે. આમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે અમારી સંવેદના. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારોને શક્તિ આપે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.’ હવે ફિલ્મની રિલીઝને થોડા અઠવાડિયા બાકી છે , ત્યારે ફવાદ ખાનની વાપસી પર પ્રશ્નાર્થ છે.