જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ આતંકવાદી હુમલા વચ્ચે જામનગરના 70 યાત્રિકો ત્યા ફસાયા છે. જે તમામ લોકો સુરક્ષિત છે, પણ એમને ભય સતાવી રહ્યો છે. જે પરિવારજનો સાથે વીડિયો કોલથી સંપર્કમાં છે. મળતી માહિતી મુજબ આ યાત્રિકો મોરારી બાપુની કથા સાંભળવા શ્રીનગર ગયા હતા. યાત્રિકોમાં સામેલ પ્રદીપભાઈ રાવલ અને ભાવનાબેન રાવલ એક સપ્તાહ પહેલા શ્રીનગર પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી પહેલગામની ઘટના બાદ ત્યાં ફસાયા છે. યાત્રિકોના પરિવારજનો સાથે વીડિયો કૉલ દ્વારા વાતચીત થઈ હતી. તમામ યાત્રિકો સુરક્ષિત છે અને સવારે 8-9 વાગ્યે શ્રીનગરથી જમ્મુ તરફ બસ મારફતે રવાના થયા છે. યાત્રિકોની રિટર્ન ટિકિટ 29 એપ્રિલની હતી પણ હાલ શ્રીનગરમાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તમામને જમ્મુ તરફ મોકલવામાં આવ્યા છે. યાત્રિકો આજે સાંજ સુધીમાં જમ્મુ પહોંચી જશે. જમ્મુથી જામનગર પરત ફરવા માટેની વ્યવસ્થા અંગે પ્રયાસો ચાલુ છે. હાલ આ અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.