જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે ઘણા બોલિવૂડ સેલેબ્સે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એવામાં શત્રુઘન સિંહાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે. પહેલગામ આતંકી હુમલા પર શત્રુઘન સિંહાનું નિવેદન
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પહેલગામમાં પ્રવાસીઓ સાથે બનેલી ઘટના વિશે પત્રકારોએ શત્રુઘન સિંહાને પ્રશ્નો પૂછ્યા હતા, સવાલ સાંભળીને એક્ટર ટર્ન્ડ રાજનેતાએ તરત જ આક્રમક વલણ સાથે કહ્યું, ‘હિન્દુઓ-હિન્દુઓ શું કરો છો? ત્યાં હિન્દુ અને મુસ્લિમ, બધા જ ભારતીય છે. આ મોદી સરકાર અને તેમની ટીમ દ્વારા શરુ કરાયેલી પ્રોપગેન્ડા વૉર છે.’ તેમણે આગળ કહ્યું, આ મુદ્દો સંવેદનશીલ છે અને આ રીતે તણાવ ન વધારવો જોઇએ. વાઈરલ વીડિયોમાં શત્રુઘન સિંહા કહે છે કે, ‘ગોદી મીડિયા’ આ મામલાને જરૂર કરતાં વધારે ચગાવ્યો છે’. આ પ્રોપગેન્ડા વોર મારા મિત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જૂથ દ્વારા ખૂબ જ ચલાવવામાં આવી રહી છે. આ ખૂબ વધારે થઈ રહ્યું છે. હું માનું છું આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આપણે એવું કંઈ ન કહેવું કે કરવું જોઈએ જેનાથી તણાવ વધે. ઘાવને મલમ લગાવવાની જરૂર છે.’ શત્રુઘન સિંહા નિવેદન બાદ ટ્રોલ થવા લાગ્યા
શત્રુઘન સિંહાનું નિવેદન આવતાં જ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો સોનાક્ષીનાં લગ્નના મામલે પણ કહેવાનું શરુ કરી દીધું છે. એક વ્યક્તિએ તો તેને પાકિસ્તાની એજન્ટ પણ કહ્યા હતા. બીજા એક યુઝરે લખ્યું, ‘તમને ઇર્ષ્યા કેમ થઈ રહી છે?’ અન્ય યુઝરે પૂછ્યું તો પછી પીડિતો શું ખોટું બોલી રહ્યા છે? વીડિયોની નીચે લોકો આ પ્રકારની કૉમેન્ટ કરી રહ્યા છે. ગુજરાતી બોલિવૂડ સિંગર સલીમ મર્ચન્ટનું નિવેદન
ગુજરાતી બોલિવૂડ સિંગર સલીમ મર્ચન્ટે પણ આતંકી હુમલાની નિંદા કરતી પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ‘પહેલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા એ માટે થઈ કારણ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહિ. શું આ હત્યારાઓ મુસલમાન છે? ના, તેઓ આતંકવાદી છે. કારણ કે ઇસ્લામ આવું નથી શીખવતું. કુરાન-એ-શરીફમાં સૂરહ અલ-બકરા, આયત 256 માં કહેવામાં આવ્યું છે કે ધર્મના મામલામાં કોઈ બળજબરી ન હોય. આવું કુરાન-એ-શરીફમાં લખવામાં આવ્યું છે.’ ‘એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છે કે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. મારાં નિર્દોષ હિન્દુ ભાઈ-બહેનોને ખૂબ જ ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યાં. ફક્ત એટલા માટે કે તે હિન્દુ છે. આ બધું ક્યારે સમાપ્ત થશે? કાશ્મીરના રહેવાસીઓ, જેઓ છેલ્લાં 2-3 વર્ષથી કાશ્મીરમાં સારી રીતે જીવી રહ્યા હતા, તેઓ ફરીથી તેમના જીવનમાં એ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મને સમજાતું નથી કે મારું દુઃખ અને ગુસ્સો કેવી રીતે વ્યક્ત કરું. હું માથું નમાવું છું અને જીવ ગુમાવનારા નિર્દોષ લોકો માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમને અને તેમના પરિવારોને શક્તિ આપે. ઓમ શાંતિ.’