1990માં અફઘાનિસ્તાનમાં નાનાં-મોટાં આતંકી સંગઠનોની મિટિંગ મળી. અહીંથી નવું, મોટું આતંકી સંગઠન રચાયું, જેને નામ અપાયું લશ્કર-એ-તૈયબા. આ આતંકી સંગઠનને જીવતું રાખવા, મજબૂત કરવા માટે અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેને કરોડો રૂપિયા આપ્યા. લશ્કર-એ-તૈયબાના ઘણા એજન્ડા હતા, એમાંનો એક એજન્ડા હતો કે ભારતથી કાશ્મીરને અલગ કરવું. આ એજન્ડા પાછળ ઘણા માસ્ટર માઇન્ડ છે. નમસ્કાર, પહેલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર જે રીતે હુમલા થયા એની પાછળ બે-પાંચ આતંકવાદી જ નથી, બહુ મોટું નેટવર્ક છે. આનો દોરીસંચાર પાકિસ્તાનથી થયો છે એ પણ નક્કી છે. હમણાં હમણાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકીઓ PoKમાં આંટા મારી ગયા હતા એ પછીથી આ પ્લાન ઘડાયો. એક મીડિયા રિપોર્ટમાં લખેલું છે કે PoKમાં મસૂદ અઝહર પણ જોવા મળ્યો હતો. આ એ જ મસૂદ અઝહર છે, જેણે સંસદ ભવન પર હુમલો કરાવ્યો હતો. પહેલગામમાં હુમલો કર્યો તે પાંચ આતંકીમાંથી ત્રણ પાકિસ્તાની
પહેલગામમાં જે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 27 પ્રવાસીને મોતને ઘાટ ઉતારી દીધા. એમાં પાંચ આતંકી હતા. આ પાંચમાંથી ત્રણ આતંકી પાકિસ્તાની હતા અને બાકીના બે સ્થાનિક કાશ્મીરના હતા. આ પાંચેય આતંકી લશ્કર-એ-તૈયબાના પેટાસંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના હતા. TRFની પર લશ્કર-એ-તૈયબાનો દોરીસંચાર છે. લશ્કર-એ-તૈયબાની ઉપર પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIનો હાથ છે અને ISIને આદેશ આપનાર છે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર. અહીં પહેલગામ હુમલાના આતંકી સંગઠનના માળખાને સમજો… લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર TRFના કમાન્ડર પહેલગામના પાંચ હુમલાખોર લશ્કર-એ-તૈયબાને સૌથી મોટું ફંડ આપ્યું લાદેને
વર્ષ હતું 1985. પાકિસ્તાનમાં રહેનારા આતંકવાદી હાફીઝ સઈદ અને ઝફર ઈકબાલે મળીને જમાત ઉદ દાવાનો પાયો નાખ્યો હતો. 1986માં આતંકી ઝકી ઉર રહેમાન લકવી પાસે જેહાદીઓનું પોતાનું ગ્રુપ હતું. હાફીઝ સઈદે તેને જમાત ઉદ દાવા સાથે ભેળવી દીધું. આમાંથી નવા ગ્રુપનો જન્મ થયો – મરકજ-ઉદ-દાવા-અલ-ઈરશાદ. 1990માં અફઘાનિસ્તાનમાં આવાં સંગઠનોની મિટિંગ થઈ. આ સંગઠનોએ સાથે મળીને નવું જ મોટું સંગઠન ઊભું કરવાનો નિર્ણય લીધો. આ સંગઠનનું નામ આપવામાં આવ્યું – લશ્કર-એ-તૈયબા. આ સંગઠનને મજબૂત કરવા માટે પૈસાની જરૂર હતી. આ પૈસાની જરૂરિયાત પૂરી કરી અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેને. ઓસામાએ હાફીઝ સઈદ, ઝફર અને નકવીને ભરપૂર પૈસા આપ્યા, જેથી લશ્કર-એ-તૈયબા તેના મિશન પાર પાડી શકે. અમેરિકી ડિફેન્સ એક્સપર્ટે કહ્યું, જે રીતે લાદેનને માર્યો એ રીતે મુનીરને મારો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો માઈકલ રુબિને કહ્યું હતું કે અમેરિકાએ તાત્કાલિક પાકિસ્તાનને આતંકવાદી સ્ટેટ જાહેર કરવું જોઈએ. તેમણે સીધું કહ્યું કે પાકિસ્તાની આર્મી ચીફ પણ ઓસામા બિન લાદેનની જેમ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. માઈકલ રુબિને એવું પણ કહ્યું હતું કે અસીમ અને ઓસામા એકસરખા છે. ફરક માત્ર એટલો છે કે ઓસામા બિન લાદેન ગુફામાં રહેતો હતો અને અસીમ મુનીર શાહી મહેલમાં રહે છે. રુબિને તો એમ પણ કહ્યું હતું કે આ હુમલો આઘાતજનક છે, પરંતુ એ વાત સાચી છે કે જો તમે ડુક્કર પર લિપસ્ટિક લગાવો તોપણ એ ડુક્કર જ રહે છે. પાકિસ્તાન ભલે આતંકવાદ માટે પોતાની જવાબદારીનો ઇનકાર કરતું રહે, પરંતુ સત્ય એ છે કે તે આતંકવાદને પોષે છે. જે રીતે લાદેનનો અંત થયો એ રીતે મુનીરનો અંત થવો જોઈએ. લશ્કર-એ-તૈયબાનો એજન્ડા 2019માં કલમ 370 હટી ગયા પછી લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ફરી એક્ટિવ થયા. આ આંતકીઓને સાથ મળ્યો કાશ્મીરમાં એક્ટિવ બીજા આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો. લશ્કર-એ-તૈયબા અને હિઝબુલે સાથે મળીને નવું જ સંગઠન બનાવ્યું. એને નામ આપ્યું – ધ રેઝિસ્ટન્સ ફોર્સ (TRF). પાકિસ્તાની આર્મી ચીફે ભડકાઉ ભાષણ આપ્યું ને પાંચ દી’માં હુમલો થયો
16 એપ્રિલે ઈસ્લામાબાદના કાર્યક્રમમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે એવી વાત કરી, જે ભારતવિરોધી હતી અને તેનું આ ભાષણ ભડકાઉ ભાષણ હતું. તેના ભાષણથી આતંકીઓ ઉશ્કેરાયા અને કાશ્મીરમાં પહેલગામ હુમલાને અંજામ આપ્યો. મુનીરે કહેલું કે અમે હિન્દુઓથી બિલકુલ અલગ છીએ. એટલે આતંકીઓએ ધર્મ પૂછ્યો. તેણે એમ પણ કહ્યું કે કાશ્મીર એ પાકિસ્તાનના ગળાંની નસ છે. તેને કોઈ કાપી ન શકે, એટલે કાશ્મીરમાં હુમલો કર્યો. મુનીરના આ પ્રવચનના પાંચ જ દિવસ પછી પહેલગામમાં હુમલો થાય છે. પહેલગામ હુમલાનું ષડ્યંત્ર PoKના રાવલકોટમાં ઘડાયું
ઈન્ડિયા ટુડેનો એક રિપોર્ટ હતો, એમાં જણાવ્યું હતું કે ઈન્ટલિજન્સ એજન્સીનાં સૂત્રો મજબ, હુમલાનું ષડ્યંત્ર પીઓકેના રાવલકોટમાં રચવામાં આવ્યું. આની પાછળનો સૂત્રધાર લશ્કરનો કમાન્ડર સૈફુલ્લાહ ખાલીદ છે. તે કસૂરનો રહેવાસી હોવાના કારણે સૈફુલ્લાહ કસૂરીથી પણ ઓળખાય છે. આ હુમલા પાછળ મોટો રોલ છે. ઘણા હુમલામાં તે માસ્ટર માઈન્ડ રહ્યો છે. સૈફુલ્લાહ પાકિસ્તાન જાય ત્યારે ત્યાંની આર્મી તેના માટે લાલ જાજમ પાથરે છે. પાકિસ્તાની સેનાને ભારત વિરુદ્ધ સતત ભડકાવ્યા કરે છે. તે લશ્કર-એ-તૈયબાનો સિનિયર કમાન્ડર છે. લશ્કરનો મુખ્ય સૂત્રધાર હાફીઝ સઈદની નજીકનો મનાય છે. કસૂરી લશ્કર-એ-તૈયબાનું પેશાવર હેડક્વાર્ટર સંભાળે છે. તાલિબાન ભારતની પડખે રહેતાં પાકિસ્તાનને ફાળ પડી
અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનની સરકાર છે. તાલિબાને પાકિસ્તાની હુમલાની નિંદા કરી છે. એ જ તાલિબાન જે એક સમયે પાકિસ્તાનનો સ્ટ્રેટેજિક સાથીદાર ગણાતો હતો. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે નિવેદન આપ્યું છે. આ નિવેદનથી પાકિસ્તાન બેબાકળું બન્યું છે. તાલિબાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું કે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને મૃતકોનાં પરિવારજનો સાથે છીએ. આવા હુમલા શાંતિ અને સ્થિરતાને કમજોર કરે છે. આ એ જ તાલિબાન છે, જે 90ના દાયકામાં કાશ્મીરને જેહાદનું મેદાન માનતા હતા. આ એ જ તાલિબાન છે, જેને પાકિસ્તાને ઉછેર્યું અને રણનીતિક ઉપયોગ કર્યો. હવે આ જ તાલિબાન ભારતના પક્ષમાં નિવેદનો કરે છે. તાલિબાનનું આ નિવેદન ભલે ભારત માટે રાહતભર્યું હોય, પણ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. ISIએ વર્ષો સુધી તાલિબાનોને ફંડિંગ આપ્યું ને ટ્રેનિંગ આપી. તાલિબાનની આ નવી વિદેશનીતિનાં ઘણાં કારણો છે. તાલિબાન હવે પોતાને જવાબદાર રાષ્ટ્ર તરીકે રજૂ કરવા માગે છે. ભારત અફઘાનિસ્તાનને ઘઉં, દવા અને ડેવલપમેન્ટ માટે ફંડ આપતું રહ્યું છે. તાલિબાનની નવી નીતિ છે કે ભારત સાથે સંબંધ સુધારો ને પાકિસ્તાન સાથે સંબંધ ઘટાડો. કાશ્મીરના PoKમાં આતંકવાદીઓનું સ્ટ્રોંગ નેટવર્ક
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં મોટા આતંકી સંગઠનો અને બીજાં નાનાં આતંકી સંગઠનો એક્ટિવ છે. આ આતંકીઓનું નેટવર્ક PoKમાં પથરાયેલું છે અને દરેક આતંકી લીડરને તેનાં ટાસ્ક આપવામાં આવ્યાં છે, જેમાં બખ્ત ઝમીન ખાન: કારગિલ વખતે આતંકીઓ લઈને ત્યાં ગયો હતો. તેણે PoKમાં શાળાઓ અને કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓનું બિઝનેસ નેટવર્ક ઊભું કર્યું છે. આના દ્વારા તેણે ભંડોળ ઊભું કર્યું છે. તે PoKમાં વારંવાર આતંકવાદીઓના કેમ્પની મુલાકાત લે છે.
મસૂદ અઝહર: જાહેર જીવનમાં લગભગ પાંચ વર્ષ ગેરહાજરી પછી અઝહર ફરી ઊભરી આવ્યો છે. તેને જાહેરમાં દેખાવાની મંજૂરી પાકિસ્તાની સંસ્થા ISI તરફથી લીલી ઝંડી મળી છે. અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદ સમગ્ર પાકિસ્તાનમાં અનેક મસ્જિદો અને ટ્રેનિંગ કેમ્પોનું નિયંત્રણ કરે છે. જૈશ-એ-મોહમ્મદે એવાં સાધનો વસાવ્યાં છે કે શિયાળામાં દુર્ગમ પહાડોમાંથી ઘૂસણખોરી થઈ શકે.
સૈયદ સલાહુદ્દીન: હિઝબુલ મુજાહિદ્દીનનો સ્થાપક દાયકાઓથી કાશ્મીરમાં આતંકવાદનો ચહેરો રહ્યો છે, જોકે વર્ષોથી મોટા પાયે હુમલાઓનું આયોજન કરવાની તેમની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. નવી વ્યવસ્થા હેઠળ તેની ભૂમિકા ‘કાશ્મીર સ્વતંત્રતા સંગ્રામ’ના બેનર હેઠળ કિશોરોની ભરતીમાં ફેરવાઈ ગઈ છે. તે વારંવાર પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)ના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લે છે, જેથી યુવાનોની ભરતી કરી શકાય.
સૈફુલ્લાહ ખાલિદ: મૂળ નામ તેનું હબીબુલ્લાહ મલિક. પગે ખોડ છે એટલે સાજિદ લંગડા તરીકે પણ જાણીતો છે. આ 42 વર્ષીય આતંકવાદી પાકિસ્તાનના કસૂરનો રહેવાસી છે. એટલે સૈફુલ્લાહ કસૂરીથી ઓળખાય છે. તેણે બેંગલુરુમાં MBA કર્યું છે. તે મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી કાર્યવાહી માટે ગુનેગારોની ભરતી કરવા માટે આ ગેરકાયદે નેટવર્કનો ઉપયોગ કરે છે. તે લક્ઝુરિયસ કારમાં ફરે છે અને તેની આસપાસ હથિયારધારી આતંકીઓ હોય છે.
શેખ જમીલ-ઉર-રહેમાન: એવા વિસ્તારમાં સ્થાનિક સંકલનનું કામ સંભાળનાર, શેખ જમીલ-ઉર-રહેમાન કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે, પરંતુ પાકિસ્તાની નાગરિક તરીકે પાકિસ્તાનમાં રહે છે. ભારતીય એજન્સીઓને તેના પાકિસ્તાની કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) નંબર 61101-9814381-9ની જાણ છે. રહેમાન તહરીક-ઉલ-મુજાહિદ્દીન (TuM) નામનું પોતાનું સંગઠન ચલાવે છે, પરંતુ મોટેભાગે તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ પર અન્ય આતંકવાદીઓને સુવિધા આપવાનું કામ કરે છે.
ફરહતુલ્લાહ ઘોરી: ગુજરાતથી આંધ્રપ્રદેશ સુધીના આતંકવાદી કેસોમાં સંડોવાયેલો છે. હૈદરાબાદનો 58 વર્ષીય ઘોરી પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સિન્ડિકેટ માટે ઓનલાઈન ભરતી કરવાનું કામ કરે છે. ઘોરી જમ્મુ અને કાશ્મીરની બહાર સ્લીપર સેલ પર કમાન્ડ ધરાવે છે. દક્ષિણ ભારતમાં આતંકવાદી મોડ્યૂલોમાં તેની સંડોવણીની શંકા છે.
સજ્જાદ ગુલ: 50 વર્ષીય ગુલ શ્રીનગરનો રહેવાસી છે અને હવે પાકિસ્તાનમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ ચલાવે છે. સજ્જાદ ગુલને વરિષ્ઠ કાશ્મીરી પત્રકાર શુજાત બુખારીની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પોતાના સ્થાનિક સંબંધો અને રિયલ એસ્ટેટ બિઝનેસનો ઉપયોગ કરીને તે કાશ્મીરમાં આતંકવાદીઓને અને હથિયારોને ઘુસાડવામાં સફળ રહ્યો છે.
ફારુક કુરેશી: આતંકવાદી સંગઠન અલ બર્કનો નેતા છે. ફારુક કુરેશીનું પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં મોટું કનેક્શન છે, એટલે ત્યાંના લોકો તેને માન આપે છે.
શહીદ ફૈઝલ: ફરહતુલ્લાહ ઘોરીનો જમાઈ છે, જે મૂળ બેંગલુરુનો છે. તે કેટલાક સમયથી સિન્ડિકેટમાં સક્રિય છે. ટેક-સેવી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, ફૈઝલ ભારતમાં ઘોરીના ઓનલાઈન ભરતી નેટવર્ક પાછળનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવે છે.
હમઝા બુરહાન: અલ બદ્ર સંગઠન સાથે જોડાયેલા હમઝા બુરહાનને આધુનિક શસ્ત્રો અને વિસ્ફોટકોની ઊંડી સમજ છે. તે સિન્ડિકેટમાં નવો પ્રભાવશાળી હેન્ડલરોમાંનો એક માનવામાં આવે છે. મસૂદ અઝહર ફરી એક્ટિવ થયો
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, જૈશનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં ફરીથી એક્ટિવ થઈ ગયો છે. તેણે એક લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓમાં જૈશનો હાથ હોવાનું ઘણી વખત બહાર આવ્યું છે. જૈશ સ્થાનિક આતંકવાદી સંગઠનોની આડમાં કાશ્મીર ઘાટીમાં આવા હુમલાઓ કરી રહ્યું છે. મસૂદ અઝહરે જૂન મહિનામાં પાકિસ્તાનના બહાવલપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને ભાષણ પણ આપ્યું હતું. 2024ની શરૂઆતમાં પાકિસ્તાનના બહાવલપુરમાં ઘણાં કુખ્યાત આતંકવાદી જૂથો ભેગાં થયાં હતાં, જેમાં જૈશ ચીફ મસૂદ અઝહર, અલ બદ્ર કમાન્ડર બખ્ત ઝમીન, હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન અને અન્ય આતંકીઓ સામેલ હતા. આમાંનાં ઘણાં આતંકવાદી જૂથો પીઓકેમાં સક્રિય છે અને ત્યાંથી તેઓ સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે, જેમાં ઘૂસણખોરી અને દાણચોરીનો સમાવેશ થાય છે. છેલ્લે,
અમેરિકાએ જ્યારે લાદેનને ખતમ કર્યો એ પહેલાં તેની આસપાસનાને વીણીવીણીને સાફ કર્યા હતા. ઈઝરાયલ પણ હમાસને ખતમ કરવા માટે આ જ રીતે કામ કરે છે. તમામને વીણીવીણીને કાઢે છે. ભારતે પણ હવે આ જ પેટર્નથી કામ કરવું પડશે. ઈઝરાયલના ભારતના રાજદૂતે એવું કહ્યું છે કે 7 ઓક્ટોબર 2023એ હમાસે ઈઝરાયલમાં જે હુમલો કર્યો હતો એ જ પેટર્નથી પહેલગામમાં ટૂરિસ્ટ પર હુમલો થયો છે. ભારતે હવે અમેરિકા અને ઈઝરાયલ જેવો જ જવાબ આપવો પડશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)