મૃગાંક પટેલ
{ આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ?
અમે બપોરે 2.00 વાગ્યે પહેલગામની મિનિ સ્વિટઝર્લેન્ડ કહેવાતી જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને હજુ તો નાસ્તો કરતા હતા ત્યાં 10થી 15 મિનિટમાં જ ફાયરિંગનો અવાજ સંભળાયો. અમને એમ લાગ્યું કે, આજુબાજુ આર્મી કેમ્પ હશે એટલે અવાજ આવતો હશે. છતાં શોપકિપરને પૂછ્યું કે, આવો અવાજ રોજ આવે છે? તો શોપકિપરે કહ્યું કે ‘ના. પહેલીવાર આવ્યો છે.’ એટલામાં તો ચારે બાજુથી ફાયરિંગના અવાજ આવવા લાગ્યા અને અમે કંઈ વિચારીએ તે પહેલાં તો આતંકીઓ બે ફૂટ દૂર સામે આવીને ઊભા રહી ગયા. અમને ભાગવાનો સમય પણ ન મળ્યો.
{ આતંકીઓએ તમારી નજીક આવીને શું કહ્યું?
આતંકવાદીઓએ જોત જોતામાં ‘કલમા… કલમા… કલમા…’ બોલવા લાગ્યા. અમારી આસપાસ જેઓ મુસલમાન હતા એ ‘મુસલમાન… મુસલમાન…’ બોલવા લાગ્યા. આમ કરીને હિન્દુઓ એક તરફ થઈ ગયા અને મુસલમાન બીજી તરફ થઈ ગયા. અમે જે રીતે બેઠેલા હતા એ જ સ્થિતિમાં આતંકીઓએ શૈલેષને છાતીના જમણા ભાગે ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેમનું માથું મારા ખોળામાં ઢળી પડ્યું અને મારી બાજુમાં મારો દીકરો અને મારી દીકરી હતી.
{ આતંકીઓએ ફાયરિંગ કર્યા પછી શું સ્થિતિ થઈ?
સ્થિતિ એવી હતી કે, શૈલેષને એવું હતું કે હું મારી પત્ની અને દીકરા-દીકરીને બચાવી લઉં અને મને એવું હતું કે, હું શૈલેષને અને દીકરી-દીકરાને બચાવી લઉં. અમારી આસપાસના 20થી વધુ પરિવારોમાં પણ આવું જ હતું. ગોળી માર્યા પછી બે આતંકીઓ ત્રણ મિનિટ ત્યાં ઊભા રહ્યા અને પછી જોતજોતામાં ક્યાં ગાયબ થઈ ગયા એ ખબર જ ન પડી.
{ તમે ઘટના સ્થળેથી નીચે કેવી રીતે ઉતર્યા?
બધી જ મહિલાઓ ‘બચાવો… બચાવો…’ની બૂમો પાડવા માંડી, પણ કોઈ જ મદદે ન આવ્યું. સ્થિતિ એવી થઈ કે, મારે મારા પતિને ગોળી ખાધેલી હાલતમાં જ ત્યાં ને ત્યાં છોડવા પડ્યા અને દીકરા-દીકરીને બચાવવા માટે તેમને લઈને હું પહાડીઓ પરથી નીચે ઉતરવા માંડી. નીચે ઉતરવાનો રસ્તો ખબર ન હતો, રસ્તા પર ઘૂંટણ સુધી કીચડ હતું. પગમાં શૂઝ પણ ન હતાં.
{ આતંકી હુમલાની જાણ કોને અને કેવી રીતે કરી, મદદ મળી હતી કે નહી?
અમે જે ઘોડા પર ઉપર ગયા હતા તે ઘોડાવાળા પણ ભાગી છુટ્યા હતા. માત્ર એક ઘોડો હતો જેના પર દીકરાને બેસાડી દીધો. ક્યાંકથી કોઈ ગોળી મારી દેશે તેવા ડર વચ્ચે અથડાતાં, પડતાં જેમ તેમ 45 મિનિટે અમે નીચે ઉતર્યા અને ત્યાં જ આર્મીનો બેઝ કેમ્પ દેખાતાં ત્યાં અમે કહ્યું કે, ઉપર તાત્કાલિક હેલિકોપ્ટર મોકલો. બહુ બધા લોકોને ગોળી વાગી છે. એમ્બ્યુલન્સ તો પહોંચી શકે તેવો રસ્તો પણ ન હતો. પણ અમને એ જવાબ મળ્યો કે, ‘મેડમ, રિલેક્સ…’ હું જ્યારે નીચે ઉતરી તે પહેલાં જ મારા પતિના ફોનમાં તેમના મિત્ર જે મૂળ કાશ્મીરના છે અને એરિયા મેનેજર તરીકે રાજસ્થાનમાં રહે છે તેમને કોલ કરીને ઘટનાની જાણ કરી દીધી હતી. તેમણે કાશ્મીર પોલીસનો સંપર્ક કર્યો હતો.
{ શૈલેષભાઈની મહેચ્છા શું હતી?
મારા પતિ મને એક જ બાબત વારંવાર કહ્યા કરતા કે, ‘મારી નાણાકીય પરિસ્થિતિના કારણે હું તો વિદેશ ભણવા જઈ ન શક્યો, પરંતુ દીકરી અને દીકરાને વિદેશ જ ભણવા મોકલવા છે.’ આ તેમનું સપનું હતું. ‘દીકરીને ડોક્ટર બનવું છે અને દીકરાને એન્જિનિયર બનવું છે.’