કાશ્મીરના પેહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભરૂચમાં આજે વિશાળ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતૃત્વમાં પંચબતી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પેહલગામના શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત નેતાઓએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, VHPના અજય મિસ્રા, બજરંગ દળના દુષ્યંત સોલંકી અને માજી ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે દેશમાં આવા આતંકી હુમલાઓ અક્ષમ્ય છે. તેમણે રાષ્ટ્રભક્ત નાગરિકોને રાષ્ટ્રવિરોધી તત્વો સામે એકજૂટ થવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હાજર રહ્યો હતો.