જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા ભારતીયોના મૃત્યુ થયા છે. ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવંગત આત્માઓને શહેર ભાજપના અને યુવા મોરચાના નેતાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી હતી. આ સાથે જ અહીં પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ખૂબ જ દુઃખદ છે. પાકિસ્તાન પડોશી દેશ હોવા છતાં તેને ક્યારેય પડોશી ધર્મ નિભાવ્યો નથી. ભારત દેશ દ્વારા એક પણ વખત કાકરી ચાળો કરવામાં આવ્યો ન હોવા છતાં દર વખતે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ મારફત હુમલાઓ કરવામાં આવે છે. જોકે આ વખતે જે હુમલો થયો છે તે ખૂબ જ દુઃખદ છે અને તેનો મુહતોડ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે. પાકિસ્તાનના પૂતળાનું દહન કરી રોષ પ્રગટ કરાયો
આજે આ દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે કિસાન પર ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં તમામ નેતાઓ સહિતના જોડાયા હતા અને આ દરમિયાન યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનના પૂતળાનું દહન કરાયું હતું અને પોતાનો રોષ પ્રગટ કરાયો હતો. કાશ્મીરની આતંકી ઘટનાને રાજકોટ મુસ્લિમ સમાજે વખોડી
રાજકોટ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તા. 22 એપ્રિલના મંગળવાર બપોરે 2 કલાકે જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગામ ખાતે બેશરન વેલી વિસ્તારમાં પાકિસ્તાન તરફી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 27 જેટલા ટુરીસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેને રાજકોટ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં નિંદા કરી આ પ્રાણઘાતક ઘટનાને આક્રોશ સાથે વખોડી કાઢે છે અને ખીરાજે અકિદત પેશ કરે છે. સાથો સાથ આ બનાવમાં ઘાયલ થયેલા ટુરીસ્ટો જલ્દી સાજા થઇ જાય તે માટે દુઆએ ખેર કરીએ છીએ. રાજકોટ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રાણઘાતક આતંકી હુમલો ફકત આપણા ટુરીસ્ટો પર જ નહીં પરંતુ મહાન ભારત રાષ્ટ્રના સાર્વભૌમત્વ પરનો હુમલો કરી શકાય. રાષ્ટ્રની એકતા અને અખંડીતતા ઉપરનો આ પ્રહાર છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો પ્રતિક છે. ત્યારે ઘેરાબંધી કરીને આતંકી હત્યારાઓને હેલીકોપ્ટર, સ્નીફર ડોગ અને ડ્રોનથી સર્ચ ઓપરેશન દ્વારા ઝડપથી પકડી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઇએ. ઇસ્લામમાં આતંકવાદને કોઇ સ્થાન નથી અને ઇસ્લામના નામે કોઇ આતંકી હુમલો કરે છે તો તે મુસ્લિમ નથી રહેતો. આતંકવાદીઓનો કોઇ ધર્મ કે મજહબ હોતો નથી ત્યારે આતંકી ઉપર એટેક કરીને ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય હવે પાકી ગયો છે. અંતમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન સમક્ષ રાષ્ટ્રહિતમાં યોગ્ય પગલાં ભરવા અમારી નમ્ર અરજ કરી હતી.