કોરોના પછી હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ કરી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધુ એક યુવાનને આવેલા હાર્ટ એટેકથી પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો. કારખાનામાં કામ કરતા સમયે એકાએક ઢળી પડતા તેને સારવારમાં ખસેડાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો
અતુલકુમાર કેશવકુમાર કોલ (ઉં.વ.19)ને બેભાન હાલતમાં 24 એપ્રિલની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર રહેલા ડો.અશ્વિન રામાણીએ અતુલકુમારને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. 10 દિવસ પહેલાં જ કંપનીમાં ફરી કામે લાગ્યો હતો
મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, અતુલકુમાર ગોંડલ ચોકડી પાસે આવેલી રમકડા બનાવતી ફ્લેક્ષ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો. તે આશરે 10 મહિનાથી આ કંપનીમાં કામે લાગ્યો હતો જેમાં વચ્ચે થોડો સમય પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયો હતો. ત્યાંથી પરત આવી 10 દિવસ પહેલાં જ કંપનીમાં ફરી કામે લાગ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે અતુલકુમાર કારખાનામાં કાસ્ટિંગ પ્લાસ્ટિક લાઈન મોલ્ડિંગ મશીન ઉપર કામ કરી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જમીન પર પટકાતા તેને કપાળના ભાગે આંખ ઉપર સામાન્ય ઇજા પણ થઈ હતી. તુરંત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 11:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું
અતુલકુમાર બે ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. મૃતદેહને વતનમાં લઈ જવા તજવીજ કરાઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, અતુલકુમાર જ્યાં કામ કરતો હતો તે સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.