અમદાવાદના કારંજ પોલીસ મથકે મેટ્રો કોર્ટના એક વકીલે 06 માર્ચ, 2025ના રોજ મેટ્રો કોર્ટ સંકુલમાંથી પોતાનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ત્રણ આરોપીઓ મખદુમ અલી શેખ, મઝહર અલી શેખ તથા મોઈનખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના 04 ટુ વ્હીલર પણ મળી આવેલ હતા. આરોપીઓ પૈકી મકદુમ અલી અને મઝહર અલીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેનો વિરોધ કરતા સરકારી વકીલ અને ફરિયાદ પક્ષના વકીલો દલીલ કરી હતી કે આરોપીઓ રીઢા ગુનેગાર છે. તેમની સામે પ્રથમ દર્શિક કેસ છે. આરોપીઓ સામે અગાઉ કારંજ, સાબરમતી રેલવે અને ધોળકા પોલીસ મથકોએ આવા જ ગુન્હા નોધાઇ ચૂક્યા છે. આરોપીઓએ કોર્ટ સંકુલમાંથી વકીલની મોટરસાયકલની ચોરી કરી છે. જે દર્શાવે છે કે આરોપીઓમાં કાયદાનો ડર નથી. ચોરીના CCTV અને ચોરીનો મુદામાલ પોલીસે મેળવેલ છે. ત્યારે આરોપીઓને જામીન આપવા જોઈએ નહીં. કોર્ટે સરકાર તથા ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓની જામીન અરજી નકારી નાખી હતી.