રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે PSE (પ્રાયમરી સ્કોલરશીપ એક્ઝામ)નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાયમરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ પરીક્ષામાં ગુજરાતનાં 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં રાજકોટનાં 49 સેન્ટરોમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ સહિતની શાળાઓનાં 10,647 છાત્રોએ પરીક્ષા આપી હતી. જ્યારે વડોદરા જિલ્લામાં 30 સેન્ટરો પરથી 7,451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી મેરિટમાં આવનાર છાત્રોને માસિક રૂ. 1,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે. આજે આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના 49 સેન્ટરો પર 10,647 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
પ્રાપ્ત વિગત મુજબ હોંશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં 2 લાખ કરતા વધુની PSE (પ્રાયમરી સ્કોલરશીપ એકઝામ)નું આયોજન થયું હતું. સવારે 11થી 1 દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં રાજકોટનાં 49 સેન્ટરો પરથી 10,647 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આ પરીક્ષામાં મેરિટમાં આવનાર છાત્રોને દર મહિને રૂ. 1,000ની સ્કોલરશીપ તેમના આગળનાં અભ્યાસ માટે આપવામાં આવશે. મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને વાર્ષિક 12,000 રૂપિયાની સ્કોલરશીપ
રાજકોટની ન્યુ એરા સ્કૂલનાં સંચાલક અજય પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તમામ સ્કોલરશીપ પરીક્ષાઓમાં અમારી શાળાને સેન્ટર આપવામાં આવે છે. આજે પણ ધો. 5થી 9નાં છાત્રો માટે PSE સ્કોલરશીપ એકઝામનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે પરીક્ષામાં અમારા કેન્દ્રમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં અંદાજે 27 જેટલા કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં આવતા પ્રશ્નો તેમજ જનરલ નોલેજનાં પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં રાજકોટથી હજારો વિદ્યાર્થી જોડાયા છે. આ પૈકી મેરિટમાં આવનારા તમામ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે દર મહિને રૂ. 1,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વની હોવાથી પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીને કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઈને આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમજ તમામ કેન્દ્રોની 100 મીટર આસપાસ ઝેરોક્ષ સહિતનાં સેન્ટરો બંધ રાખવામાં આવ્યા છે. હાલ ઉનાળાની ભારે ગરમી પડી રહી હોવાથી વિદ્યાર્થીઓનાં માટે ખાસ ઠંડા પાણી અને લીંબુ શરબત સહિત જરૂરી વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. તેમજ મેડિકલ કોઈ ઇમરજન્સી આવે તો તેના માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.