જો તમે શહેરમાં દોડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસમાં મુસાફરી કરો છો અને કોઈપણ ફરિયાદ છે, તો હવે આંગળીના ટેરવે તમે ફરિયાદ કરી શકો છો. મુસાફરો ફરિયાદ કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એએમટીએસને લગતી કોઈપણ ફરિયાદ હવે વ્હોટ્સએપ કરી નોંધાવી શકો છો. 8511171941 અને 8511165179 બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. બંને નંબર ઉપર કોઈપણ મુસાફર ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. ઓવર સ્પીડથી લઈને ગંદકી સુધીની ફરિયાદ કરી શકાશે
AMTS બસને લગતી કોઈ ફરિયાદ જેમ કે, ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડમાં બસ ચલાવવી, સ્ટેન્ડ પર બસ ઉભી રાખવી નહીં, મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, ગંદકી, અવસ્થા તેમજ અન્ય કોઈ ખામી અંગેની ફરિયાદ કરી શકે છે. તંત્ર દ્વારા મુસાફરોની ફરિયાદના આધારે તપાસ કરી જે તે જવાબદાર વ્યક્તિ અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે એક લાખથી વધારે મુસાફરો દરરોજ AMTS બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે મુસાફરોને સારી સુવિધા અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા તેમજ સુરક્ષિત મુસાફરી કરવા મળે તેના માટે આ ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે. પહેલાં કોલ ઉપર જ ફરિયાદ થતીઃ ચેરમેન
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, બસમાં મુસાફરી કરનારા મુસાફરોને વધારે સારી સુવિધા મળી રહે અને પરિવહન સેવાને વધુ સારી બનાવવા માટે બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ટેલિફોનિક ફરિયાદ કરી શકતા હતા, જે ફરિયાદ નોંધવામાં આવતી હતી અને ત્યારબાદ તેમાં કાર્યવાહી થતી હતી. પરંતુ હવે મુસાફરો સ્થળ ઉપરથી જ ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. ડ્રાઇવર વધુ સ્પીડમાં ગાડી ચલાવ્યા અથવા કોઈ ખોટું થઈ રહ્યું છે તો તરત જ ફોટો અને વીડિયો ઉતારીને વ્હોટ્સએપ પર મોકલી આપશે. જે ફરિયાદ અંગે તપાસ કરી કાર્યવાહી થશે. ‘પરિવહન સેવા સુધરે તેના માટે નંબર જાહેર કરાયા’
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ લગતી કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ ફરિયાદ ફોન ઉપર કરે છે અને તે બાબતે બીજા દિવસે તપાસ થતી હોય છે. જેમ કે, કોઈ મુસાફરે ફરિયાદ કરી હોય જેમાં બસ ડ્રાઇવર પોતાની બસ સ્ટેન્ડ પર ઉભી નથી રાખતો અથવા તો આગળ જઈને ઉભી રાખે છે તો બીજા દિવસે તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરતા હોય છે કે બસ ડ્રાઇવર ઉભી રાખે છે કે નહીં? પરંતુ વ્હોટ્સએપ ઉપરના વીડિયોના આધારે તરત જ તપાસ કરી અને કાર્યવાહી કરી શકાય છે. સારી સુવિધાઓ અને પરિવહન સેવા સુધરે તેના માટે આ નંબર જાહેર કરાયા છે.