back to top
Homeગુજરાતબાંગ્લાદેશીઓ ભર ઊંઘમાં હતા અને પોલીસ દરવાજે પહોંચી:અમદાવાદ-સુરતમાં ક્યારેય ન થયું હોય...

બાંગ્લાદેશીઓ ભર ઊંઘમાં હતા અને પોલીસ દરવાજે પહોંચી:અમદાવાદ-સુરતમાં ક્યારેય ન થયું હોય તેવું મેગા સર્ચ ઓપરેશન, મધરાત્રે આખા વિસ્તારો કોર્ડન કરી ઝડપી પાડ્યા

22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 25 એપ્રિલની રાત્રે 3 વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. આવો જાણીએ કેમ અને કેવી રીતે હાથ ધરાયું ઓપરેશન ક્લિનસિટી… મધરાત્રે 3 વાગ્યે અમદાવાદ-સુરતમાં એક સાથે ‘ઓપરેશન ક્લિનસિટી’
પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. જેને લઈને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે એક મહત્તવની બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ અને સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન કરવાની સૂચના અપાઈ અને ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડીને તેમને ડિપોર્ટ કરવા સુધીની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ અધિકારીઓ દ્વારા આખો એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. જોકે, આ મામલે કોઈને સહેજ પણ ખબર ના પડે તે રીતે આખા ઓપરેશનની ગુપ્તતા સિનિયર IPS અધિકારીઓ સુધી જ રાખવામાં આવી હતી અને 25 એપ્રિલની મધરાત્રે 3 વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક સાથે શરૂ કરાયું ઓપરેશન ક્લિનસિટી… અમદાવાદમાં 3 DCP, 10 ACP, 45થી વધુ PI સહિત કુલ 16 ટીમ
મધરાત્રે 2 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ અને સુરતમાં નક્કી કરાયેલી જગ્યા પાસે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થયા હતા. અમદાવાદમાં આ ઓપરેશનમાં 3 DCP, 10 ACP, 45થી વધુ PI સહિત કુલ 16 ટીમ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ટીમનું સુપરવિઝન અને લીડ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીમમાં 70 PSI અને 800 પોલીસ કર્મચારીઓ હાજર હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઝોન-6ના ડીસીપીએ આ ઓપરેશનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. ચંડોળા તળાવ વિસ્તાર ફરતે 400 પોલીસકર્મી અને છ ટીમો ગોઠવાઈ
અમદાવાદ શહેરના મોટાભાગના તમામ PI, PSI, ACP, 3 DCP અને તેમનાથી ઉપરી અધિકારીઓ રાત્રે 2 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચથી નીકળ્યા હતા. આ તમામ લોકો રાત્રે 3 વાગ્યે મિલકતનગર અને ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા અને આખો વિસ્તાર ધીરે ધીરે ઘેરી લીધો હતો. ચંડોળા તળાવ પહોંચ્યા બાદ બે ભાગમાં ટીમો વહેંચાઈ ગઈ હતી. જેમાં ચંડોળા તળાવ વિસ્તાર ફરતે 400 પોલીસ કર્મચારીઓ અને છ ટીમો ગોઠવાઈ ગઈ હતી. જ્યારે 10 ટીમો અંદર ઘૂસી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરવા બાંગ્લાદેશીઓ ભર નિંદ્રામાં હતા અને તેમના ઘરે પોલીસ દ્વારા અડધી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 890 લોકોની અટકાયત
મધરાત્રે 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, તેમાંથી ઘણા લોકો પાસે ભારતના ડોક્યુમેન્ટ છે અને ઘણા લોકો તો ગુજરાતી પણ કડકડાટ બોલે છે. એટલે હવે આ સમગ્ર મામલે સેન્ટ્રલ એજન્સી, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કામ કરી રહી છે. આ તમામ લોકોના ડોક્યુમેન્ટ એકત્ર કરી તેની ચકાસણી કર્યા બાદ શંકાસ્પદ લોકોને ડિપોર્ટ કરવાની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 134 બાંગ્લાદેશીઓને 15 દિવસમાં ડિપોર્ટ કરાશે
તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સુરતના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાત્રે 3 વાગ્યે ઓપરેશન ક્લિનસિટી હાથ ધરવામાં આવ્યું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં સર્ચ કર્યું હતું. જેમાં 134 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. તમામને સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એકપણ બાંગ્લાદેશી વિરૂધ FIR કરવામાં આવશે નહીં. તેમને તાત્કાલિક ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા 10થી 15 દિવસમાં આ તમામ લોકોને ડિપોર્ટ કરવા માટેની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યાર પછી તેમને તેમના દેશ મોકલવાની તજવીજ હાથ ધરાશે. ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે પોલીસની 10 ટીમો બનાવાઈ
સુરત પોલીસે માત્ર 5 કલાકમાં શહેર અને ગામમાંથી કુલ 134 સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે જેમાં 47 મહિલા અને 87 પુરૂષ છે. આ તમામની અટકાયત ઊન, ફૂલવાડી અને કડોદરા વિસ્તારમાંથી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઊન વિસ્તારમાંથી 64 અને સુરત ગ્રામ્ય વિસ્તાર કડોદરામાંથી 34 લોકો પકડાયા છે. હવે જ્યાં સુધી આ લોકો ડિપોર્ટ ન થાય ત્યાં સુધી રાંદેર વિસ્તાર ખાતે આવેલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવશે. હાલમાં જ આ ભિક્ષુક ગૃહ બનીને તૈયાર થયા છે. ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે સુરત પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી છે. જે તમામ સંદિગ્ધ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી રહી છે. તમામ પર CCTVથી ચાંપતી નજર રાખવામાં આવશે
134 જેટલા હતા તમામ લોકોને ટ્રેનિંગમાં જે પોલીસ જવાનો નંબર પહેરતા હોય છે તે નંબર પહેરાવવામાં આવ્યા હતા. જેથી તેમની ગણતરી સહેલાઈથી કરી શકાય. જ્યાં આ લોકોને રાખવામાં આવશે ત્યાંથી આ લોકો ફરાર ન થઈ જાય તે માટે સીસીટીવી કેમેરાથી તેમના પર ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. નાસ્તોને જમવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે. શા માટે ઓપરેશન ક્લિનસિટી રાત્રે હાથ ધરાયું?
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા જો દિવસ દરમિયાન આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હોત તો બાંગ્લાદેશીઓ એલર્ટ થઈ ગયા હોત અને તેઓ ત્યાંથી ફરાર થઈ શકે છે તેવી શંકાના આધારે આ ઓપરેશન રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમો બનાવીને રાત્રિ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં સુરત પોલીસ પહોંચી હતી. બાંગ્લાદેશીઓ કંઈ સમજી શકે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. રાત્રે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે આટલી મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments